આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે કેશોદની સુપ્રસિદ્ધ પાઠક સ્કૂલમાં ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમ જ્ઞાન, ઉત્સાહ અને વૈજ્ઞાનિક ચેતનાથી ઓતપ્રોત રહ્યો હતો.
ભૌતિક જગતની દરેક શોધખોળ વિજ્ઞાનના માધ્યમથી જ શક્ય બને છે. ખોરાક, પોશાક, તબીબી ક્ષેત્ર, વાહન વ્યવહાર, કોમ્યુનિકેશન સહિત જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની ક્રાંતિએ માનવજીવનને અદભૂત સુખ-સમૃદ્ધિ આપી છે. વિજ્ઞાન માત્ર એક વિષય નથી, પરંતુ વિચારવાની દૃષ્ટિ છે. તે માત્ર ચોક અને ટોકથી ભણાવી શકાતું નથી, પરંતુ પ્રયોગો અને અનુભવો દ્વારા જ સાચી સમજ વિકસે છે.
વિજ્ઞાન મેળો માત્ર પ્રદર્શન નહોતો, પરંતુ બાળકોની કૌતૂહલતા, કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને મહેનતનું પ્રતિબિંબ હતો. દરેક કૃતિમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતા. પ્રદર્શનમાં લોઅર પ્રાથમિક અને અપર પ્રાથમિક એમ બે વિભાગમાંથી કુલ આશરે ૯૦ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની.
કાર્યક્રમનો શુભ આરંભ દીપ પ્રાગટ્ય અને રિબન કટીંગથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય Arvind Ladani, રોટરી ક્લબ પ્રમુખ ડૉ. તન્ના સાહેબ, ભારત વિકાસ પરિષદ પ્રમુખ શ્રી આર.પી. સોલંકી, આઝાદ ક્લબ પ્રમુખ શ્રી હમીરસિંહ વાળા, જલારામ મંદિર તથા આઝાદ ક્લબ ના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર સાહેબ, ધીરુભાઈ કાલરીયા તેમજ એન.પી. કોલેજના જીતેન્દ્ર પટેલ સહિત કેશોદના અન્ય નગરશ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા
શાળા સંચાલક શ્રી સમીરભાઈ કણસાગરા તથા સ્વાતિબેન કણસાગરાના આગવા માર્ગદર્શન સાથે સમગ્ર સ્ટાફમિત્રોના ઉત્સાહ અને માર્ગદર્શનથી કાર્યક્રમ સફળ રહ્યો. કૃતિઓના નિર્ણાયક તરીકે શ્રી જગમલભાઈ નંદાણીયા અને શ્રી હરસુખભાઈ બજાણીયાએ સેવા આપી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે મૂલ્યાંકન કર્યું હતું.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થયો. અન્ય શાળાઓમાં પણ આવા કાર્યક્રમો યોજાય અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન અભિમુખ બને દરેક ઘટનામાં વિજ્ઞાનના તથ્યોને નિહાળતા શીખે — એ જ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો.
વિજ્ઞાન દિવસને સાર્થક કરતો આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવા બદલ સમગ્ર શાળા પરિવાર અભિનંદનને પાત્ર બન્યો છે.

ધ્રુવ ચુડાસમા





