સોમનાથ સાગરદર્શન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કાર્યક્રમોની માહિતી આપવામાં આવી
સોમનાથ ખાતે આગામી ૧૧ મેના રોજ યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વ’ને લઈને સોમનાથ સાગરદર્શનના મિટિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસ અને સોમનાથ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિર પર ઇતિહાસમાં અનેક વખત આક્રમણો થયા હોવા છતાં આસ્થા અને અસ્મિતાનું આ પ્રતિક અડીખમ રીતે ઉભું રહ્યું છે. સનાતન સંસ્કૃતિની અડગ શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનું જીવંત પ્રતિક બની રહેલું સોમનાથ મંદિર આજે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે ગૌરવનું કેન્દ્ર બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને આનંદની લાગણી છે.
જીતુભાઈ વાઘાણીએ સરદાર વલ્લભભાઈ પટેલના સોમનાથ પુનઃનિર્માણના સંકલ્પને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે સોમનાથના અવશેષો જોઈ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ૧૧ મે ૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક પ્રસંગને હવે ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમોની વિગતો આપતા જણાવાયું હતું કે, વડાપ્રધાન ૧૧ મેના રોજ જામનગરથી સોમનાથ પહોંચશે. ત્રિવેણી હેલિપેડથી વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી લગભગ એક કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. માર્ગ દરમિયાન વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ, પરંપરાગત નૃત્યો અને ૧૨ જ્યોતિર્લિંગ આધારિત બેકડ્રોપ્સ રજૂ કરવામાં આવશે.
મંદિર પરિસરમાં ઋષિકુમારો, આહિર બહેનો અને બંગાળી પરિવારો પરંપરાગત વેશભૂષામાં વડાપ્રધાનનું સ્વાગત કરશે. વડાપ્રધાન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન, કુંભાભિષેક, ધ્વજપૂજા અને મહાપૂજા કરવામાં આવશે.
આ પ્રસંગે સૂર્યકિરણ વિમાનો દ્વારા એર શો યોજાશે તેમજ મંદિર પર હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા પણ કરવામાં આવશે, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બનશે.
મંદિર કાર્યક્રમો બાદ વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે. ઉપરાંત, ‘સોમનાથ અમૃત પર્વ’ અંતર્ગત વિશેષ એક્ઝિબિશન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ આધ્યાત્મિક આયોજનો પણ યોજાશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોમાં મળેલી જીત લોકોના વિકાસ અને વિશ્વાસનું પ્રતિબિંબ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં પ્રાપ્ત થયેલી જીતને તેમણે ઐતિહાસિક ગણાવી હતી.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સોમનાથ અમૃત પર્વ’ માત્ર ધાર્મિક ઉજવણી નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક અસ્મિતા, રાષ્ટ્રીય ગૌરવ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે. વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આ અવસર વિશેષ આધ્યાત્મિક અનુભવ બની રહેશે.
પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેશ વાજા (પ્રભાસ પાટણ)




