ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ગોળના રાબડા ધારકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી આચરી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને ખુલ્લો પડકાર આપતો મહારાષ્ટ્રનો કહેવાતો ‘બાહુબલી મુકાદમ’ આખરે કોડીનાર પોલીસના જાળમાં આવી ગયો છે. લાંબા સમયથી ફરાર અને પોલીસને વારંવાર ચકમો આપતો ભટુ તસીંગભાઈ સોનવણે નામનો આ આરોપી ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની ગુપ્ત તથા સુચિંતિત કામગીરીની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારમાં ગોળના રાબડા ધારકો સાથે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હતી. આ છેતરપીંડી બાદ આરોપી ભટુ સોનવણે મહારાષ્ટ્ર તરફ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપતો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન કોડીનાર પોલીસ દ્વારા અનેક વખત આરોપીને ઝડપી લેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આરોપી પોતાની ચાલાકી, સ્થાનિક નેટવર્ક અને રાજકીય પીઠબળના કારણે દરેક વખતે પોલીસને ચકમો આપી ભાગી જતો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં “મુકાદમ” તરીકે ઓળખાતો હતો અને સ્થાનિક સ્તરે તેની બાહુબલી છબી હતી. તેના પાછળ રાજકીય પીઠબળ હોવાના કારણે સ્થાનિક સ્તરે તેની મજબૂત પકડ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ પરિસ્થિતિમાં પોલીસ માટે તેની સામે સીધી કાર્યવાહી કરવી અત્યંત મુશ્કેલ બની રહી હતી.
કોડીનાર પોલીસ દ્વારા અગાઉ ત્રણ વખત આરોપીને પકડવા માટે મહારાષ્ટ્ર સુધી ટીમ મોકલવામાં આવી હતી, પરંતુ દરેક વખત આરોપી છેલ્લી ક્ષણે ગાયબ થઈ જતો હતો. આરોપી પોતાના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, સ્થાનિક સંપર્કો અને માહિતી તંત્રનો લાભ લઈ સતત સ્થળ બદલતો રહેતો હતો. જેના કારણે પોલીસને ચોક્કસ માહિતી મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.
પરંતુ આ વખતે કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકાએ આરોપીને ઝડપી લેવા માટે એક ખાસ અને વ્યૂહાત્મક યોજના બનાવી. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્વેલન્સ અને ટેક્નિકલ એનાલિસિસ દ્વારા આરોપીના સંભવિત લોકેશન અંગે ચોક્કસ માહિતી એકત્રિત કરવામાં આવી. ત્યારબાદ કોડીનાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના એ.એસ.આઈ ધર્મેન્દ્રસિંહ માનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભીખુશા બચ અને વિક્રમભાઈ હમીરભાઈ સહિતની ચુનંદી ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી.
વિસ્તારની સામાજિક અને સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસકર્મીઓએ અત્યંત ગુપ્ત રીતે કામગીરી હાથ ધરી. આરોપીને કોઈ શંકા ન જાય તે માટે પોલીસકર્મીઓએ વેશપલ્ટો કરી ગુપ્ત રીતે આરોપીના વિસ્તારમાં પ્રવેશ કર્યો. એક કર્મચારી હિંદુ તરીકે અને બીજો મુસ્લિમ તરીકે પોતાની ઓળખ છુપાવી આરોપીના વિસ્તારમાં રહી કામગીરી કરતો રહ્યો.
પોલીસ ટીમે સતત ચાર દિવસ સુધી આરોપીની દરેક હલચલ પર બારીક નજર રાખી. આરોપી ક્યાં જાય છે, કોને મળે છે અને તેની રોજિંદી ગતિવિધિઓ શું છે તે અંગે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરવામાં આવી. પોલીસ ટીમે યોગ્ય તકની રાહ જોઈ અને આખરે યોગ્ય સમય મળતા જ સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઘેરાબંધી કરી આબાદ કાબૂમાં લઈ લીધો.
ત્રણ વર્ષથી પોલીસને પડકાર આપતો અને ત્રણ વખત હાથતાળી આપનાર આ આરોપી આખરે કાયદાના જાળમાં આવી ગયો. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કોડીનાર લાવવામાં આવ્યો.
આ સમગ્ર ઓપરેશન અંગે માહિતી આપતા કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકાએ જણાવ્યું હતું કે કાયદાથી મોટું કોઈ નથી. કોઈપણ વ્યક્તિ પાસે રાજકીય પીઠબળ કે સ્થાનિક પ્રભાવ હોય, પરંતુ કાયદાની સામે તે બધું નિર્બળ સાબિત થાય છે. યોગ્ય આયોજન, ધીરજ, ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ અને ટીમ વર્કના કારણે આ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓએ જોખમ લઈ કરેલી મહેનતના કારણે આ કામગીરી સફળ બની છે.
પકડાયેલા આરોપી ભટુ તસીંગભાઈ સોનવણાને કોડીનાર લાવી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરીને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતા હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન છેતરપીંડીના વધુ તથ્યો તથા અન્ય સંડોવણી અંગે મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોડીનાર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ગુપ્ત અને વ્યૂહાત્મક કામગીરી હવે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. ત્રણ વર્ષ સુધી કાયદાને પડકાર આપનાર આરોપી આખરે પોલીસના જાળમાં સપડાતા હવે આવા ‘બાહુબલી મુકાદમો’ માટે પણ આ કાર્યવાહી કડક ચેતવણી સમાન બની છે.
મૌલિક ઝણકાટ (ગીર સોમનાથ)





