

ગીર સોમનાથ જિલ્લાના એચટાટ આચાર્યો દ્વારા સંગઠનની એકતા, સ્વાભિમાન અને શિક્ષણ ક્ષેત્રના હિતોને અડગ રાખવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રાપાડા તાલુકાના આંકોલવાડી ખાતે આવેલા ભગીરથ ફાર્મ હાઉસમાં ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘની જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૮૨ જેટલા એચટાટ આચાર્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન અગાઉ યોજાયેલી કારોબારી બેઠકના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંઘના ભવિષ્ય, સંગઠનની મજબૂતી અને શિક્ષણ ક્ષેત્રે આચાર્યોના હિતોને વધુ સશક્ત બનાવવા અંગે સભ્યો દ્વારા ગંભીર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
ચર્ચાના અંતે બહુમતીથી મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘ હવે ગીરસોમનાથ એચટાટ શૈક્ષિક સંઘથી અલગ રહી, જિલ્લા કક્ષાએ સ્વતંત્ર સંગઠન તરીકે કાર્યરત રહેશે. આ નિર્ણયને સભ્યો દ્વારા સંગઠનની મજબૂતી અને સ્વાભિમાનનું પ્રતિક ગણાવવામાં આવ્યું હતું.
બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો કે સંઘ કાયમી રીતે સંગઠિત અને સક્રિય રહેશે. તેમજ જે કોઈ એચટાટ આચાર્ય અન્ય શૈક્ષિક સંઘ સાથે જોડાશે, તેનું ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘમાંથી સભ્યપદ રદ કરવામાં આવશે.
આ પ્રસંગે સંઘના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે વીરલભાઈ ડોડિયા, મહામંત્રી તરીકે જગદીશભાઈ વાઢિયા અને રાજ્યના સભ્ય તરીકે ધીરુભાઈ ભાલીયાની પસંદગી કરવામાં આવી હતી.
બેઠકના અંતે ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા સંઘની એકતા જાળવી રાખવા, શિક્ષણ ક્ષેત્રના હિતોની રક્ષા કરવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વજેસિંહ બારડ (સુત્રાપાડા)





