ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી સદીઓથી સંતો, શૂરવીરો, દાતારો અને સમાજસેવકોની ધરતી તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીંની માટીમાં માત્ર શૂરવીરતા જ નહીં પરંતુ કરુણા, સેવા, દાન અને માનવતાની સુગંધ પણ વસે છે. ઇતિહાસના પાનાઓથી લઈને આજના આધુનિક યુગ સુધી સૌરાષ્ટ્રે અનેક એવા મહાનુભાવોને જન્મ આપ્યો છે જેમણે પોતાના કાર્યોથી સમાજને નવી દિશા આપી છે. આજના સમયમાં જ્યારે સ્વાર્થ અને રાજકારણની ગરમાગરમી વચ્ચે સામાન્ય માણસની પીડા ઘણીવાર અવગણાઈ જાય છે, ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે માનવતાને પ્રથમ સ્થાન આપી નિઃસ્વાર્થ સેવા દ્વારા સમાજમાં આશાનો દીવો પ્રગટાવતા રહે છે.
આવી જ એક પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી ઘટના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી-દેદાજી ગામમાંથી સામે આવી છે, જ્યાં એક દાતાર પરિવારે ખેડૂતોના દુઃખને પોતાનું સમજી લાખોની સહાય આપી સમાજ સામે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દેવળી-દેદાજી ગામના સ્વર્ગસ્થ વરજાંગભાઈ ભગવાનભાઈ મોરીના સુપુત્ર મનોજભાઈ મોરી આજે સમગ્ર વિસ્તારમાં દાતારી, સેવાભાવ અને માનવતાના પ્રતિક તરીકે ઓળખાઈ રહ્યા છે. વ્યવસાયે ફિશરીઝ અને સ્પિનિંગ મિલ સાથે સંકળાયેલા મનોજભાઈ મોરી વર્ષોથી રાજકારણથી સંપૂર્ણપણે પર રહી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. તેઓએ હંમેશા દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મદદ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સમાજના અઢારે વરણ વચ્ચે માનવતાની ભાવના સાથે સેવા કરનાર મનોજભાઈ મોરીએ ફરી એકવાર પોતાના કાર્યોથી લોકોના દિલ જીતી લીધા છે.
થોડા દિવસો પહેલાં કોડીનાર ખાતે એક વિશાળ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મનોજભાઈ મોરીએ સમાજની 220 દીકરીઓને ડબલ ડોર કબાટ ભેટ સ્વરૂપે અર્પણ કરી સૌનું દિલ જીતી લીધું હતું. દીકરીઓના ભવિષ્ય માટે આપેલી આ ભેટ માત્ર સામગ્રી ન હતી, પરંતુ સમાજ પ્રત્યેના પ્રેમ, લાગણી અને જવાબદારીનું પ્રતિક બની હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં મનોજભાઈ મોરીના આ કાર્યની ભારે પ્રશંસા થઈ રહી હતી.
પરંતુ આ કાર્યક્રમ દરમિયાન મનોજભાઈ મોરીને એક એવી માહિતી મળી કે જેણે તેમને અંદરથી ઝંઝોળી નાખ્યા. કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન ગણાતી સુગર ફેક્ટરી, જેના શરૂ થવાથી ખેડૂતોમાં નવી આશા જાગી હતી, તે ફેક્ટરી શરૂઆતના વર્ષમાં જ બંધ થઈ જતાં અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખેડૂતો દ્વારા આશાભેર શેરડીનું નોંધણી કાર્ય કરવામાં આવ્યું હતું. ખેતરોમાં મહેનત કરીને શેરડી તૈયાર કરવામાં આવી હતી. ખેડૂતોને વિશ્વાસ હતો કે તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે અને તેમના પરિવારનું ગુજરાન ચાલશે. પરંતુ ફેક્ટરી બંધ થતાં અંદાજિત 60 થી 70 જેટલા ખેડૂતોની શેરડી ખેતરોમાં જ બાકી રહી ગઈ.
ખેડૂતોના જણાવ્યા અનુસાર આઇ.પી.એલ. કંપની દ્વારા યોગ્ય ચુકવણું પણ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે અનેક ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાઈ ગયા હતા. કેટલાક ખેડૂતો દેવામાં ડૂબી ગયા હતા તો કેટલાકના ઘરમાં રોજિંદા ખર્ચ ચલાવવા મુશ્કેલીઓ ઊભી થઈ હતી. વર્ષભરની મહેનત બાદ પાક ખેતરમાં જ બગડી જતાં ખેડૂતોમાં ભારે નિરાશા અને દુઃખનું વાતાવરણ ફેલાયું હતું.
આ દરમિયાન મનોજભાઈ મોરીને લઈને પણ એક મોટો વિવાદ સામે આવ્યો હતો. મનોજભાઈ મોરીને દ્વારકા તરફથી ઝડપી કોડીનાર પોલીસ દ્વારા પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ હતી, પરંતુ ત્યારબાદ મનોજભાઈ મોરીએ પોતે અપહરણની ફરિયાદને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. પોલીસ દ્વારા આખો દિવસ વિવિધ મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન તેમની સામે કોઈપણ પ્રકારનો આરોપ અથવા ગુનાહિત બાબત સાબિત થઈ ન હતી. જેના કારણે સાંજના સમયે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
મુક્ત થયા બાદ મનોજભાઈ મોરી સીધા મીડિયા સમક્ષ આવ્યા હતા અને ખેડૂતોની વેદના અંગે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની હાલત જોઈ તેઓ ખૂબ વ્યથિત થયા છે અને આશરે 70 જેટલા ખેડૂતોને શેરડીના નુકસાનની સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જાહેર કર્યું કે જે કોઈપણ ખેડૂત મિત્રોની શેરડી નોંધાયેલી હોવા છતાં લેવામાં આવી નથી, તેવા તમામ ખેડૂતોનું સર્વેક્ષણ કરી પોતાના ખર્ચે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે.
આ જાહેરાત બાદ સમગ્ર કોડીનાર તાલુકામાં આશાની નવી કિરણ જોવા મળી. ખેડૂતોમાં ફરી એકવાર વિશ્વાસ જાગ્યો કે હજુ પણ સમાજમાં એવા લોકો છે જે દુઃખની ઘડીમાં સહારો બનવા તૈયાર છે.
મનોજભાઈ મોરીએ માત્ર જાહેરાત જ કરી નહોતી, પરંતુ તેને વાસ્તવિક રૂપ આપવા માટે સંપૂર્ણ આયોજન પણ હાથ ધર્યું.
આ કામગીરી માટે મંડળીના નિવૃત્ત, અનુભવી અને વિશ્વાસપાત્ર લોકોની એક વિશેષ ટીમ બનાવવામાં આવી. આ ટીમે ગામે ગામ જઈ ખેડૂતોના ખેતરોનું સ્થળ પર સર્વેક્ષણ કર્યું. ખેડૂતોની સ્થિતિ, બાકી રહેલી શેરડી અને થયેલા નુકસાનનો સચોટ અભ્યાસ કરવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે ખાસ કાળજી લેવામાં આવી.
સર્વે પૂર્ણ થયા બાદ તા. 7 મે 2026ના રોજ એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 46 જેટલા ખેડૂતોને સહાયરૂપે કુલ રૂ. 24 લાખથી વધુ જેટલી રકમ મનોજભાઈ વરજાંગભાઈ મોરીના પરિવાર તરફથી ચૂકવવામાં આવી હતી. આ સહાય પ્રાપ્ત કરતાં અનેક ખેડૂતોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઘણા ખેડૂતો માટે આ સહાય માત્ર પૈસા નહોતા, પરંતુ તૂટી ગયેલી આશાઓને ફરી જીવંત બનાવનાર સંજીવની સમાન હતી.
ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે જ્યારે તમામ દરવાજા બંધ થઈ ગયા હતા ત્યારે મનોજભાઈ મોરી અને તેમના પરિવારે દેવદૂત બની મદદનો હાથ આગળ વધાર્યો. સમાજના દરેક વર્ગમાંથી આ કામગીરીને ભારે બિરદાવવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રની ધરતી પર દાતારી અને સેવા કોઈ નવી બાબત નથી. અહીંના લોકો હંમેશા પરોપકાર અને માનવતાને પ્રથમ સ્થાન આપતા આવ્યા છે. પરંતુ આજના સમયમાં જ્યારે ઘણીવાર મદદ પણ રાજકીય લાભ અને પ્રસિદ્ધિ માટે કરવામાં આવતી હોય છે, ત્યારે મનોજભાઈ મોરીએ રાજકારણથી સંપૂર્ણપણે પર રહી નિઃસ્વાર્થ ભાવથી કરેલી આ સેવા લોકોના દિલને સ્પર્શી ગઈ છે.
સમાજના આગેવાનો, ખેડૂતો, વેપારીઓ તેમજ વિવિધ સંસ્થાઓએ મનોજભાઈ મોરીના આ કાર્યને બિરદાવ્યું છે. અનેક લોકોએ જણાવ્યું કે આવા લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. જો સમાજના સક્ષમ લોકો આવી રીતે આગળ આવી જરૂરિયાતમંદોને મદદ કરે તો અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ ફરી પાછી આવી શકે.
આ ઘટના માત્ર સહાય વિતરણની નથી, પરંતુ માનવતાની એક જીવંત ગાથા છે. આ પ્રસંગે ફરી એકવાર સાબિત થયું છે કે સૌરાષ્ટ્રની ધરતી આજે પણ દાતારી, કરુણા અને સેવાભાવથી સમૃદ્ધ છે. અહીં હજુ પણ એવા લોકો છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ માની મદદ માટે આગળ આવે છે.
મનોજભાઈ મોરી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરી આજે સમગ્ર કોડીનાર તાલુકા માટે ગૌરવનો વિષય બની છે. ખેડૂતોના આંસુ પોચા કરી તેમણે માત્ર સહાય નથી આપી, પરંતુ માનવતા હજુ જીવંત છે તેવો વિશ્વાસ પણ સમાજને અપાવ્યો છે.
સૌરાષ્ટ્રની આ પવિત્ર ધરતી પર આવી દાતારી અને સેવાભાવની પરંપરા સતત જીવંત રહે અને સમાજને નવી પ્રેરણા આપતી રહે એ જ આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.





