ફોટોશૂટથી સજાવેલી સુગર મિલ અને ખોખલા વચનોનો ખેલ 16 મહિના થી ઉભી શેરડી, કરોડોનું નુકસાન અને જવાબદારોએ પલ્લો ઝાડ્યો

કોડીનાર તાલુકાના ખેડૂતો આજે વિશ્વાસઘાતની ભઠ્ઠીમાં સળગી રહ્યા છે. સુગર મિલ શરૂ કરવાની ગાજવીજ સાથે જાહેરાતો થઈ, મંચો પર વચનો વરસ્યા અને ખેડૂતોને સમજાવવામાં આવ્યા કે હવે તેમનું ભવિષ્ય બદલાશે. કોડીનાર અને તલાલા વિસ્તારમાં સુગર મિલ શરૂ કરવાનો નિર્ણય જાહેર થતા ખેડૂતોમાં આશાની કિરણ ફૂટી હતી. IPL કંપની દ્વારા સુગર મિલ શરૂ કરવાની વાતો મોટા ધડાકા સાથે કરવામાં આવી, અને એ વિશ્વાસ પર ખેડૂતો એ પોતાની જમીન, સમય અને મૂડી દાવ પર મૂકી.

ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કે તેઓ શેરડીનું વાવેતર કરે. અન્ય પાક છોડીને, ભારે ખર્ચ કરીને, પાણી-ખાતર અને મજૂરીમાં લાખો રૂપિયા લગાવી ખેડૂતોએ 16 મહિના સુધી શેરડીને સાચવી. પરંતુ આજ હકીકત એવી છે કે સુગર મિલ શરૂ થવાની વાત તો દૂર, મિલના દરવાજા પણ ખૂલ્યા નથી. છેલ્લા બે મહિનાથી પાણી પુરવઠો બંધ કરાતા ઉભી શેરડી સુકાઈ રહી છે અને ખેડૂતોનું પરિશ્રમ ધૂળમાં મળી રહ્યું છે.

આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે મિલ શરૂ કરવાની તૈયારી જ ન હતી, ત્યારે ખેડૂતોને વાવેતર માટે કેમ પ્રેરાયા? શું ખેડૂતો માત્ર આંકડા પૂરાં કરવા માટે હતા? પાંચ-પાંચ વખત વચન આપવામાં આવ્યા “ખરીદી ટૂંક સમયમાં શરૂ થશે”, “નુકસાનની ગણતરી થશે”, “ચુકવણી થશે” પરંતુ દરેક વચન પછી ખેડૂતને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો.

ખેડૂતો પોતાની વ્યથા લઈને અધિકારીઓ પાસે પહોંચે છે, તો તેમને સમાધાનના બદલે રોફ, કટુ વચન અને અપમાન મળે છે. માંગણી રજૂ કરનાર ખેડૂતને ઓફિસમાંથી તતડાવીને બહાર કાઢવાની ઘટનાઓ ખેડૂતોના આત્મસન્માનને ચકનાચૂર કરી રહી છે. શું આ રીતે અન્નદાતાનો અપમાન કરવો યોગ્ય છે?

16 મહિના થી ખેતરમાં ઊભી શેરડી માત્ર એક પાક નથી એ ખેડૂતોની આશા, દેવું, પરિવારનો ભવિષ્ય અને જીવિકાનો આધાર છે. આજ પરિસ્થિતિમાં ઘણા ખેડૂતો દેવાના બોજા નીચે દબાઈ ગયા છે. બેંકના હપ્તા, મજૂરોની મજૂરી, ખાતર-દવા નો ખર્ચ બધું જ બાકી છે, અને સામે કોઈ ખરીદી નથી, કોઈ ભરપાઈ નથી.

આ હવે માત્ર આર્થિક મુદ્દો રહ્યો નથી; આ વિશ્વાસઘાતનો પ્રશ્ન છે. મોટી કંપનીઓ દ્વારા કરાયેલા વચનો જો આ રીતે ખોખલા સાબિત થાય, તો ખેડૂત કોના પર વિશ્વાસ રાખે? કોડીનાર તાલુકાના ખેડૂતો હવે સ્પષ્ટ શબ્દોમાં કહે છે અમને દયા નહીં, ન્યાય જોઈએ.

તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે, અથવા 16 મહિના સુધી ઉભી રહેલી શેરડીનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને ખેડૂતો સાથે થયેલા અન્યાયનો હિસાબ જાહેર થાય. જો હવે પણ અવાજ ન સાંભળવામાં આવે, તો આ શાંતિ ઉકળતા આક્રોશમાં ફેરવાઈ શકે છે.

કોડીનારના ખેડૂતોનો સંદેશ સ્પષ્ટ છે વચનો નહીં, કાર્યવાહી જોઈએ. નહીંતર આ અન્યાય સામેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનશે.

Leave a Comment