સુત્રાપાડામાં નાની ચલણી નોટો ગાયબ! વેપારીઓ ત્રાહિમામ પોકારે બેંક તંત્રની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ, રિઝર્વ બેંક સુધી પહોંચ્યો મામલો

સુત્રાપાડા શહેરમાં દૈનિક જીવનનો આધાર બનેલી ₹10 અને ₹20 ની ચલણી નોટો જાણે અચાનક અદૃશ્ય થઈ ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય જનતા અને નાના વેપારીઓ માટે જીવનરેખા સમાન ગણાતી નાની ચલણી નોટોની ગંભીર અછત હવે માત્ર અસુવિધા નથી રહી, પરંતુ બેંકિંગ તંત્રની બેદરકારી અને અવ્યવસ્થાનું ખુલ્લું પ્રતિબિંબ બની ગઈ છે. વેપારીઓમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે અને સમગ્ર મામલો હવે રિઝર્વ બેંક સુધી પહોંચ્યો છે.

સુત્રાપાડાના એડવોકેટ ભરતભાઈ ઝાલા દ્વારા આ ગંભીર મુદ્દે સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ વારંવાર સ્થાનિક બેંક શાખાઓ — સ્ટેટ બેંક તથા બેંક ઓફ બરોડા માં નાની ચલણી નોટોની માંગ સાથે પહોંચી રહ્યા છે, પરંતુ દર વખત “જથ્થો ઉપલબ્ધ નથી” એવો જવાબ આપી તેમને પરત મોકલવામાં આવે છે. વેપારીઓનો સવાલ છે કે જો બેંકો પાસે જ નાની ચલણી નોટો ઉપલબ્ધ ન હોય, તો સામાન્ય જનતા દૈનિક લેવડદેવડ કેવી રીતે ચલાવે?

₹10 અને ₹20 ની નોટો વગર શાકભાજી વેચનાર, કિરાણા વેપારીઓ, ચા-નાસ્તા લારીઓ, ફળફ્રૂટ વેચનાર અને નાના ધંધાર્થીઓ માટે વ્યવહાર ચલાવવો દુષ્કર બની ગયો છે. નાની ચલણી નોટોની અછતના કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે રોજિંદા તણાવ અને ઉગ્ર બોલાચાલી સર્જાઈ રહી છે, જે શહેરની વેપારી વ્યવસ્થાને સીધી અસર પહોંચાડી રહી છે.

વેપારીઓએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે આ પરિસ્થિતિ માત્ર તાત્કાલિક સમસ્યા નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનું પરિણામ છે. બેંકિંગ વ્યવસ્થા જો દૈનિક જરૂરિયાતોને પૂરી કરવામાં નિષ્ફળ રહે, તો તે જનતાના વિશ્વાસ સાથેનો સીધો દ્રોહ ગણાશે.

સુત્રાપાડા વેપારી મંડળે હવે મૌન તોડી રિઝર્વ બેંક સમક્ષ ઇ-મેઇલ દ્વારા સત્તાવાર રજુઆત કરી તાત્કાલિક તપાસ, જવાબદારી નક્કી કરવા અને નાની ચલણી નોટોનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. વેપારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે, તો વેપારીઓ આંદોલનાત્મક માર્ગ અપનાવવા મજબૂર બનશે.

સુત્રાપાડાના નાના વેપારીઓ હવે પ્રશ્ન પૂછે છે શું દૈનિક જીવનની સરળતા જાળવવા માટેની નાની ચલણી નોટો મેળવવી પણ હવે સંઘર્ષ બની ગઈ છે? સત્તાવાળાઓ જો હજુ જાગશે નહીં, તો વેપારીઓનો આક્રોશ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

વજેસિંહ બારડ ( સુત્રાપાડા)

Leave a Comment