શ્રી બજરંગ બલીની મૂર્તિ ખંડિત થયાની અફવા ખોટી સાબિત — સિંહાસનની લાદી માત્ર ગુણવત્તા સુધારણા માટે દૂર કરાઈ : નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયાનો કડક ખુલાસ

શ્રી બજરંગ બલીની મૂર્તિ ખંડિત થયાની અફવા ખોટી સાબિત સિંહાસનની લાદી માત્ર ગુણવત્તા સુધારણા માટે દૂર કરાઈ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયાનો કડક ખુલાસ

કેશોદ શહેર માં બે દિવસથી સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાયેલી એક ભ્રામક અને અસત્ય અફવાએ ધાર્મિક ભાવનાઓને અનાવશ્યક રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના મુખ્ય બગીચામાં સ્થાપિત શ્રી બજરંગ બલીની પવિત્ર મૂર્તિ અને તેના સિંહાસનને ખંડિત કરવામાં આવ્યા હોવાના દાવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા નાગરિકોમાં ગેરસમજ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરંતુ આજે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફ્રન્સમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયાએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં આ તમામ અફવાઓને ખોટી અને ભ્રામક ગણાવીને હકીકત જનતા સમક્ષ મૂકી હતી.

નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે મૂર્તિ કે સિંહાસન સાથે કોઈપણ પ્રકારની તોડફોડ, ખંડન કે નુકસાન કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયામાં જે માહિતી ફેલાવવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે અસત્ય અને આધારહીન છે. અફવા વાયરલ થતા જ તેમણે તરત જ સ્થળ પર પહોંચી જાતે નિરીક્ષણ કર્યું હતું અને ટેકનિકલ ટીમ દ્વારા પણ તપાસ કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સિંહાસનમાં લગાવવામાં આવેલી લાદી યોગ્ય રીતે બેસતી ન હોવાથી તેની સપાટી અસમતલ બની રહી હતી, જેના કારણે દેખાવમાં ખામી સર્જાતી હતી તેમજ ભવિષ્યમાં મજબૂતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમાં ગુણવત્તાસભર સુધારાની આવશ્યકતા હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ વિવાદ અથવા ભવિષ્યમાં સંભવિત નુકસાન ન થાય તે માટે કારીગરોને બોલાવી લાદી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી સંપૂર્ણપણે ટેકનિકલ કારણોસર અને ગુણવત્તા સુધારણા માટે કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. હાલ નવી, મજબૂત અને ઉત્તમ ગુણવત્તાની લાદી નિર્ધારિત માપદંડ મુજબ લગાડવાની પ્રક્રિયા આયોજન હેઠળ છે, જેથી સિંહાસન વધુ સુંદર, મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ બની શકે.

નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયાએ સોશિયલ મીડિયામાં ફેલાયેલા વિડિયો અને સંદેશાઓ અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે કેટલીક વ્યક્તિઓ દ્વારા ખોટી માહિતી ફેલાવી લોકોમાં ભ્રમ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા તત્વો દ્વારા રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ તેમજ નગરપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે અફવા ફેલાવવી સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ છે અને આવા કૃત્યો સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ સમગ્ર મામલે આજે નગરપાલિકા કચેરી ખાતે પ્રેસ, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓની હાજરીમાં વિસ્તૃત પ્રેસ કોન્ફ્રન્સ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન સમગ્ર ઘટનાક્રમની પારદર્શક માહિતી આપવામાં આવી હતી તેમજ સ્થળની વાસ્તવિક સ્થિતિ અંગે મીડિયાને સંપૂર્ણ રીતે અવગત કરવામાં આવ્યું હતું.

અંતમાં નગરપાલિકા પ્રમુખે કેશોદના નાગરિકોને કડક અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ, અર્ધસત્ય માહિતી અથવા ભ્રામક વિડિયો પર વિશ્વાસ ન કરે અને સત્તાવાર માહિતી તથા જવાબદાર સ્ત્રોતોને જ માન્યતા આપે. નગરપાલિકા શહેરના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે સંવેદનશીલતા, આસ્થા અને જવાબદારી સાથે પ્રતિબદ્ધ છે અને આવા મુદ્દાઓમાં પારદર્શકતા જાળવવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ધ્રુવ ચુડાસમા (કેશોદ)

Leave a Comment