સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે પાણીના ગંભીર સંકટે આખરે લોકોના ધીરજનો કાંઠો તોડી નાખ્યો છે. છેલ્લા એક મહિના થી ગામમાં પીવાનું પાણી પૂરું પડતું નથી, અને તંત્રની ઉદાસીનતા સામે ગામ લોકો હવે ખુલ્લા આક્રોશ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
આક્રોશિત ગ્રામજનોએ કોડીનાર–સુત્રાપાડા હાઈવે પર ધામળેજ ગામ નજીક ચક્કાજામ કરી તંત્ર સામે તીખો વિરોધ નોંધાવ્યો. અચાનક થયેલા આ રોડ બ્લોકના કારણે હાઈવે પર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો.
ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી પાણી માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી કે તંત્રએ સમસ્યાનું ઉકેલ લાવવાની ગંભીરતા દાખવી નથી. ઘરમાં પીવા માટે પાણી નથી, મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે અને બાળકો પણ પાણીની તકલીફને કારણે પરેશાન થઈ રહ્યા છે.
આથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો અને તંત્રને કડક સંદેશ આપ્યો કે જો તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
ગ્રામજનો એ તો સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આવતીકાલથી ગામમાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો તેઓ પોતાના બાળકોને શાળાએ અભ્યાસ માટે પણ મોકલશે નહીં.
આ ઘટનાએ તંત્રની કામગીરી અને ગામડાંના મૂળભૂત પ્રશ્નો પર ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક બાજુ વિકાસના દાવાઓ કરવામાં આવે છે, તો બીજી બાજુ ગામ લોકો આજે પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે રસ્તા પર ઉતરવા મજબૂર બની રહ્યા છે.
હવે સૌની નજર તંત્ર તરફ છે શું તંત્ર આ આક્રોશને ગંભીરતાથી લઈ તરત પાણીની વ્યવસ્થા કરશે, કે પછી ધામળેજના લોકોનો આંદોલન વધુ ઉગ્ર બનશે?





