રાજુલા તાલુકા માટે ગર્વ અને પ્રેરણાનો અનોખો ક્ષણ સર્જાયો છે, જ્યાં નાની વયે મોટી સિદ્ધિઓ હાંસલ કરીને એક બાળાએ સમગ્ર વિસ્તારનું નામ ઉજ્જવળ કર્યું છે. રાજુલા શહેરમાં સ્થાયી થયેલ અને મૂળ માંગરોળ તાલુકાના વતની શિક્ષક દંપતી દેવાંશકુમાર કરગઠિયા અને શીલાબહેનની પુત્રી સ્વરા દેશાંશકુમાર કરગઠિયાએ ફેબ્રુઆરી-2026 મહિનામાં બે વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી સમગ્ર સમાજને ગૌરવ અનુભવું કરાવ્યું છે.
હાલ રાજુલા તાલુકાના માંડરડી ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-5માં અભ્યાસ કરતી સ્વરાએ પોતાના અદભૂત બૌદ્ધિક કૌશલ્ય અને મહેનતના બળે CET-2026/27 (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે. 120માંથી 100 ગુણ મેળવી સ્વરાએ રાજુલા તાલુકામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે, જ્યારે છોકરીઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
માત્ર તાલુકા સ્તર સુધી મર્યાદિત ન રહી, સ્વરાએ સમગ્ર અમરેલી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં છોકરીઓના વિભાગમાં 1 થી 100 ક્રમાંક વચ્ચે સ્થાન મેળવી અને ઓલ ઓવર ગુજરાત CET પરિણામમાં 1 થી 313 ક્રમાંક વચ્ચે સ્થાન પ્રાપ્ત કરીને અસાધારણ શૈક્ષણિક કૌશલ્યનો દાખલો પૂરું પાડ્યો છે. નાની વયે આટલી મોટી સિદ્ધિ એ સ્વરાની પ્રતિભા, સતત અભ્યાસ અને દૃઢ નિશ્ચયનું જીવંત ઉદાહરણ છે.
🌍 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનઆધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ
સ્વરાની બીજી મહત્વપૂર્ણ સિદ્ધિ એ છે કે તેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે તા. 2 ફેબ્રુઆરી-2026ના રોજ વડોદરા ખાતે યોજાયેલ વિશાળ કાર્યક્રમમાં 15,000થી વધુ બાલકો અને બાલિકાઓએ એકસાથે 315 સંસ્કૃત શ્લોકોનો સામુહિક મુખપાઠ કરીને અનોખો વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણમાં સ્વરાએ પણ ભાગ લઈ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બનવાની ગૌરવભરી સિદ્ધિ મેળવી છે.
એક જ મહિનામાં શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રે બેવડી સફળતા પ્રાપ્ત કરીને સ્વરાએ સાબિત કર્યું છે કે દ્રઢ મનોબળ, અડગ નિશ્ચય, સતત મહેનત અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો કોઈ પણ લક્ષ્ય અપ્રાપ્ય નથી. તેની સફળતા માત્ર વ્યક્તિગત જીત નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનું પ્રતીક બની છે.
સ્વરાની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષણ અધિકારીઓ, તાલુકાના આગેવાનો તેમજ સમાજના પ્રતિષ્ઠિત લોકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેની આ અનોખી ઉપલબ્ધિથી રાજુલા તથા માંગરોળ તાલુકાનું નામ ગૌરવપૂર્વક ઉજળું થયું છે અને યુવા પેઢી માટે પ્રેરણાનો દીપ પ્રગટ્યો છે.
અખબાર જગત તરફથી પણ સ્વરા દેશાંશકુમાર કરગઠિયાને હાર્દિક અભિનંદન સાથે ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરવાની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. નાની વયે મોટી ઉડાન ભરનાર આ દીકરી આવનારા સમયમાં સમાજ અને દેશ માટે ગૌરવરૂપ બની રહે તેવી સૌની અપેક્ષા છે.
યોગેશ કાનાબાર (રાજુલા)





