પ્રતિબંધ છતાં સોમનાથના જોખમી દરિયામાં ઉતરતા યાત્રિકો! મોજાંએ ખેંચી લીધી મહિલા… સ્થાનિક ફોટોગ્રાફરો અને ઘોડેસવાર યુવકોની બહાદુરીથી મોતને આપી માત

યાત્રાધામ સોમનાથ ખાતે આજે બપોરે બનેલી એક ચકચાર મચાવતી ઘટનામાં સમુદ્રના પ્રચંડ મોજાં વચ્ચે એક યાત્રિક મહિલા તણાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થળ પર હાજર સ્થાનિક ફોટોગ્રાફરો, ઘોડેસવાર અને ઊંટસવાર યુવકોની અદમ્ય બહાદુરી અને સમયસર કરેલા પ્રયાસોના કારણે મહિલાનો જીવ બચાવી લેવાયો હતો.

મળતી માહિતી અનુસાર, આજે બપોરે આશરે ૩:૩૦ વાગ્યાના સમયે સોમનાથ બીચ પર મોટી સંખ્યામાં યાત્રિકો દરિયાકિનારે ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન એક મહિલા સમુદ્રના પાણીમાં ઉતરી ગઈ હતી. થોડા જ પળોમાં અરબી સમુદ્રના તોફાની મોજાંએ મહિલાને અંદર તરફ ખેંચી લીધી અને મહિલા પાણીમાં તણાવા લાગી.

આ ઘટનાને પગલે બીચ પર હાજર લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો. મહિલાના ચીસા અને આસપાસના લોકોના હોબાળાને સાંભળીને ત્યાં હાજર સ્થાનિક ફોટોગ્રાફરો, ઘોડેસવાર અને ઊંટસવાર યુવકો તરત જ સતર્ક બન્યા.

માહિતી મળતા જ લગભગ દસ જેટલા યુવકો દોરડા લઈને સમુદ્રમાં ઝંપલાવી પડ્યા અને બચાવ અભિયાન હાથ ધર્યું. તોફાની મોજાં અને જોખમી પરિસ્થિતિ વચ્ચે જીવના જોખમે યુવકો મહિલાની નજીક પહોંચ્યા અને ભારે જહેમત બાદ મહિલાને સમુદ્રમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, જો સ્થાનિક યુવકો સમયસર સમુદ્રમાં ઉતરી બચાવ માટે દોડ્યા ન હોત તો મહિલાનું મોત નિશ્ચિત હતું. આ ઘટના દરમિયાન આસપાસ હાજર યાત્રિકો અને લોકોમાં એક સમયે ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે સોમનાથનો સમુદ્ર અત્યંત જોખમી ગણાય છે, અને દરિયાના મોજાં અચાનક પ્રચંડ બની જતા હોય છે. તંત્ર દ્વારા પણ દરિયાકિનારે જોખમ અંગે ચેતવણી આપવામાં આવી છે અને સમુદ્રમાં ઉતરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાંય અનેક યાત્રિકો આ સૂચનાઓની અવગણના કરીને સમુદ્રમાં ઉતરી જતા હોય છે.

આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે સોમનાથના દરિયામાં મોજાં સાથે રમવું જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અગાઉ પણ આવા અનેક બનાવોમાં યાત્રિકો જીવ ગુમાવી ચૂક્યા છે.

આ સમગ્ર ઘટનામાં માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કરનાર સ્થાનિક ફોટોગ્રાફરો, ઘોડેસવાર અને ઊંટસવાર યુવકોને લોકો તરફથી ભરપૂર પ્રશંસા મળી રહી છે. જોખમની પરવા કર્યા વગર તેમણે એક અજાણી મહિલાનો જીવ બચાવી માનવતા અને બહાદુરીનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને યાત્રિકોએ પણ દરિયાકિનારે સુરક્ષા નિયમોનું પાલન કરવું અને જોખમી સમુદ્રમાં ઉતરવાનું ટાળવું જોઈએ, જેથી આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

Leave a Comment