
રાજકોટ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ વિરપુર સ્થિત પૂજ્ય સંત જલારામબાપાની પવિત્ર જગ્યામાં આગામી તા. ૩ માર્ચ ૨૦૨૬ના રોજ થનારા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને દર્શન, આરતી તથા સદાવ્રત અન્નક્ષેત્રના સમયમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. વિશ્વવિખ્યાત આ પવિત્ર ધામમાં દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. તેથી ગ્રહણકાળ દરમિયાન ધાર્મિક પરંપરા અને શાસ્ત્રીય નિયમોનું પાલન થાય તે માટે મંદિર વ્યવસ્થાપન દ્વારા આગોતરી માહિતી જાહેર કરવામાં આવી છે.
વિરપુરની આ પવિત્ર જગ્યા પૂજ્ય સંત જલારામબાપાની સેવા, દયા, કરુણા અને પરોપકારની અનોખી પરંપરાનું જીવંત પ્રતિક છે. અહીં દરરોજ દેશના વિવિધ વિસ્તારોમાંથી તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે અને જલારામબાપાના દર્શન સાથે સાથે અહીં ચાલતા સદાવ્રતનો પણ લાભ મેળવે છે.
જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તા. ૩ માર્ચના રોજ બપોરે ૨ વાગ્યાથી લઈને રાત્રે ૮ વાગ્યા સુધી મંદિરના મુખ્ય દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન મંદિર પરિસરમાં દર્શન, પૂજા કે અન્ય ધાર્મિકવિધિઓ કરવામાં આવશે નહીં.
સામાન્ય દિવસોમાં સાંજે ૭ વાગ્યે યોજાતી સંધ્યા આરતી આ દિવસે ચંદ્રગ્રહણને કારણે મોડી કરીને રાત્રે ૯ વાગ્યે યોજાશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિર પરંપરા મુજબ વિશેષ શુદ્ધિકરણવિધિ, સંસ્કાર અને પૂજા કરવામાં આવશે. ત્યારબાદ જ ભક્તોને ફરીથી દર્શનનો લાભ આપવામાં આવશે.
વિરપુરની પવિત્ર જગ્યા પર ચાલતું વિશ્વવિખ્યાત સદાવ્રત અન્નક્ષેત્ર જલારામબાપાની સેવા અને માનવતાની ભાવનાનું અનોખું પ્રતિક માનવામાં આવે છે. અહીં દરરોજ હજારો યાત્રાળુઓને કોઈપણ જાતિ, વર્ગ કે ધર્મના ભેદભાવ વગર નિઃશુલ્ક પ્રસાદરૂપે ભોજન આપવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલી રહી છે અને લાખો લોકો માટે આશીર્વાદરૂપ બની છે.
ચંદ્રગ્રહણને કારણે તા. ૩ માર્ચના રોજ બપોરે ૨ વાગ્યે સદાવ્રત અન્નક્ષેત્ર બંધ કરવામાં આવશે. ત્યારબાદ આ સેવા બીજા દિવસે એટલે કે તા. ૪ માર્ચ ૨૦૨૬ના રોજ સવારથી ફરી નિયમ મુજબ શરૂ કરવામાં આવશે.
વિરપુરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી તેમને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે હેતુસર મંદિર વ્યવસ્થાપન દ્વારા આ માહિતી અગાઉથી જાહેર કરવામાં આવી છે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ગ્રહણકાળ દરમિયાન મંદિરના બંધ સમયને ધ્યાનમાં રાખીને જ પોતાના દર્શન અને યાત્રાનું આયોજન કરે.
જલારામબાપાની પવિત્ર ધરતી આજે માત્ર એક યાત્રાધામ પૂરતી સીમિત નથી, પરંતુ સેવા, દાન અને માનવતાની ભાવનાને જીવંત રાખતું આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. અહીં ચાલતું સદાવ્રત વિશ્વમાં અનોખું માનવામાં આવે છે, જ્યાં દરેક યાત્રાળુને પ્રેમ, સ્નેહ અને સમાન ભાવના સાથે પ્રસાદરૂપે ભોજન આપવામાં આવે છે.
ચંદ્રગ્રહણને અનુસરીને કરવામાં આવેલા આ સમય ફેરફારો છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા અડગ રહેશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ ફરીથી વિરપુરમાં ભક્તિ, સેવા અને દર્શનનો પવિત્ર માહોલ યથાવત જોવા મળશે અને હજારો ભક્તો જલારામબાપાના આશીર્વાદનો લાભ લઈ શકશે.
ગૌરવ ગાજીપરા (વીરપુર)





