ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત ખેડૂતોના હકો અને પ્રશ્નોને લઈને તીખો વિરોધ સામે આવ્યો છે. વેરાવળ તાલુકાના રામપરા ગામે ખેડૂતો દ્વારા ખાનગી સિમેન્ટ કંપની સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા કંપનીમાં કામ કરતા ટ્રકોના પૈડા થંભાવી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને લાંબી ટ્રકોની કતારો લાગી ગઈ હતી.
મળતી માહિતી મુજબ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના આસપાસ ખાનગી સિમેન્ટ કંપની માટે કાચો માલ લઈ જતો એક ભારે ટ્રક બેદરકારીપૂર્વક દોડાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ચાલકે નિયંત્રણ ગુમાવતા રસ્તા પાસે આવેલી ખેડૂતોની વીજ લાઇનના પોલ સાથે જોરદાર અથડામણ કરી દીધી હતી. ટ્રકની ટક્કર એટલી પ્રચંડ હતી કે વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયો અને આખા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો.
વીજ પોલ તૂટી જતાં રામપરા ગામના ખેડૂતોની ખેતી માટેની વીજળી અચાનક ગુલ થઈ ગઈ હતી. ખેતી માટે વીજળી પર આધારિત મોટરો બંધ પડી જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી જ સિંચાઈનું કામ અટકી જતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
ખેડૂતોનો આરોપ છે કે ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકો અતિ ઝડપથી અને બેદરકારીપૂર્વક ગામના રસ્તાઓ પર દોડાવવામાં આવે છે. જેના કારણે ગામલોકો અને ખેડૂતો માટે સતત જોખમ ઊભું થાય છે. અનેક વખત આ મુદ્દે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા આજે ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
આ ઘટના પછી રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કંપનીમાં રો મટીરિયલ લઈ જતા ટ્રકોને રોકી દેતા ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ખેડૂતો દ્વારા ટ્રકોના પૈડા થંભાવી દેતા આશરે દોઢસોથી પણ વધુ ટ્રકોની અવરજવર બંધ થઈ ગઈ હતી અને રસ્તા પર લાંબી કતારો જોવા મળી હતી.
ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે સુધી તૂટેલા વીજ પોલને તાત્કાલિક ઠીક કરવામાં નહીં આવે અને કંપની તરફથી જવાબદારી સ્વીકારી યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી ટ્રકોને પસાર થવા દેવામાં આવશે નહીં. ખેડૂતો દ્વારા કંપનીની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને ખેડૂતો સાથે વાતચીત કરીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તંત્ર દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ફરી એક વખત પ્રશ્ન ઊભો કર્યો છે કે ગામડાઓના રસ્તાઓ પર બેફામ દોડતા ભારે વાહનો સામે કડક નિયંત્રણ કેમ નથી? અને ખેડૂતોને વારંવાર ભોગ બનવું પડે છે તે માટે જવાબદાર કોણ?
રામપરા ગામે થયેલી આ ઘટનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ખેડૂતો પોતાની સાથે થતી બેદરકારી સામે ચૂપ બેસવાના નથી અને અન્યાય સામે એકજૂટ થઈને લડવા માટે તૈયાર છે.





