
ગુજરાત રાજ્યભરમાં આજથી S.S.C તથા H.S.C બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષાઓનો શુભ પ્રારંભ થયો છે. શિક્ષણ ક્ષેત્ર માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવતી આ પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડો તણાવ પણ જોવા મળતો હોય છે, ત્યારે યાત્રાધામ વીરપુર ખાતે શિક્ષણ વિભાગ તથા સ્થાનિક સંસ્થાઓ દ્વારા પરીક્ષાર્થીઓને આત્મવિશ્વાસ અને સંસ્કૃતિના સંદેશ સાથે અનોખી શરૂઆત આપવામાં આવી.
વીરપુર ખાતે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા S.S.C બોર્ડ કેન્દ્ર નં. 6418 ફાળવવામાં આવ્યું છે, જ્યાં આશરે 20 જેટલા બ્લોકમાં લગભગ 400 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ કેન્દ્ર ખાતે આધ્યાત્મિક અને સંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. શિક્ષક બહેનો દ્વારા પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશતા પહેલાં કુમકુમ તિલક કરી હિન્દુ આર્ય સંસ્કૃતિ મુજબ પંચામૃત આપી મો મીઠું કરાવી શુભેચ્છા અને આશીર્વચન પાઠવાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો.
શિક્ષકો અને સ્ટાફ દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર શાંતિપૂર્ણ અને એકાગ્રતાથી પરીક્ષા આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને માનસિક રીતે સશક્ત બનાવવા અને સકારાત્મક વાતાવરણ પૂરું પાડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
મોંઘીબા સ્કૂલ દ્વારા પરીક્ષા કેન્દ્ર ખાતે આરોગ્યને લગતી વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થીઓને તબીબી સહાયની જરૂર પડે તો તરત જ મદદ મળી શકે. સાથે સાથે પરીક્ષા દરમિયાન શિસ્ત અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે સમગ્ર કેન્દ્ર પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પરીક્ષા કેન્દ્રની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા વીરપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈપણ અઇચ્છનીય ઘટના બન્યા વગર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
આ સમગ્ર આયોજનથી સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થીઓને ભયમુક્ત, સુરક્ષિત અને પ્રેરણાદાયક વાતાવરણમાં પરીક્ષા આપવાની તક આપવા માટે શિક્ષણ વિભાગ, શાળા તંત્ર અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંકલિત પ્રયત્નો કરવામાં આવ્યા છે, જે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સંસ્કારસભર અભિગમને ઉજાગર કરે છે.
ગૌરવ ગાજીપરા (વીરપુર)





