
વીરપુરમાં “બાળક ચોર ટોળકી”ની ખોટી અફવા ફેલાવનાર ઝડપાયા
સોશિયલ મીડિયા પર ભ્રામક સંદેશા વાયરલ કરી ગામમાં ફેલાવ્યો ભયનો માહોલ પોલીસની સઘન તપાસ બાદ બે આરોપીની ધરપકડ, પ્રજાજોગ અપીલ
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર (જલારામ) વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાયેલી “બાળકો ઉઠાવતી ટોળકી” અંગેની ખોટી અફવાએ સમગ્ર ગામમાં એક સમયે ભય અને ગભરાહટનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. ગત તારીખ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કેટલાક ઈસમોએ સોશિયલ મીડિયા પર એવો ભ્રામક સંદેશ પ્રસારિત કર્યો હતો કે, વીરપુર ગામમાં બાળક ચોર ટોળકી સક્રિય બની છે અને લગભગ ૩ થી ૪ બાળકોને ઉઠાવી ગઈ છે.
આ અફવા પળવારમાં વાયરલ થતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માતા-પિતાઓમાં પોતાના સંતાનો પ્રત્યે ચિંતા વધવા લાગી હતી, લોકો રસ્તાઓ પર ભેગા થવા લાગ્યા હતા અને જાહેર શાંતિ ભંગ થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.
પરંતુ પોલીસ તંત્રએ તાત્કાલિક સતર્કતા દાખવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ અને તેમની ટીમે સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ચૌહાણ, વિજયભાઈ ગોહેલ, કૌશિકભાઈ ચાચાપરા અને નિશાંતભાઈ પરમાર સહિતની ટીમે સોશિયલ મીડિયા મોનીટરીંગ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પૂછપરછના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ અફવા સંપૂર્ણપણે ખોટી અને આધારહીન હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે ગામમાં કોઈપણ બાળક ગુમ થયાનો કે અપહરણનો કિસ્સો બન્યો જ નહોતો. માત્ર સોશિયલ મીડિયામાં ભય ફેલાવવાના હેતુથી ભ્રામક સંદેશા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સમાજમાં ડર અને અશાંતિ ફેલાવનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જેમાં
રમેશભાઈ સવજીભાઈ વઘાસિયા (રહે. ગાયત્રી નગર, રેલ્વે સ્ટેશન રોડ, વીરપુર)
ધ્રુવલભાઈ દિલીપભાઈ સાદરાણી (રહે. જલારામ મંદિર પાછળ, વીરપુર)
ની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ તકે વીરપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો હતો કે, સોશિયલ મીડિયા પર મળતી દરેક માહિતી સત્ય હોય એવું જરૂરી નથી. કોઈપણ સંદેશ, વિડિયો કે પોસ્ટને ચકાસણી કર્યા વિના શેર કરવી એ કાયદેસર ગુનો બની શકે છે. આવા ભ્રામક સંદેશા સમાજમાં અનાવશ્યક ભય, ગભરાટ અને અશાંતિ ફેલાવે છે.
પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે,
અફવાઓ પર વિશ્વાસ ન કરો
કોઈપણ શંકાસ્પદ માહિતી પહેલા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી ખાતરી કરો
સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તન કરો
સમાજમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે સહકાર આપો
વીરપુર પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક મોટી ગેરસમજ સમયસર દૂર થઈ શકી છે અને ગામમાં ફરી શાંતિનો માહોલ સ્થાપિત થયો છે.
આ ઘટના દરેક નાગરિક માટે એક ચેતવણી સમાન છે કે ડિજિટલ યુગમાં એક ખોટો સંદેશ પણ સમગ્ર સમાજમાં અશાંતિ પેદા કરી શકે છે. સજાગતા, સમજદારી અને જવાબદારીપૂર્ણ વર્તન જ સમાજને સુરક્ષિત રાખી શકે છે.
ગૌરવ ગાજીપરા (વીરપુર)





