દ્વારકાની પવિત્ર ધરતી પર સ્થિત સુપ્રસિદ્ધ જગત મંદિર ખાતે આગામી ૩ માર્ચે ઉજવાતો ફૂલડોર ઉત્સવ આ વર્ષે વિશેષ ધાર્મિક મહત્ત્વ સાથે ઉજવાશે. આ જ દિવસે સર્જાનારી ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના ધ્યાનમાં રાખીને મંદિરના વહીવટી તંત્ર દ્વારા દર્શન અને નિત્યક્રમના સમયમાં મહત્વનો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.
મંદિર તરફથી પ્રાપ્ત માહિતી મુજબ, ભક્તોની સુવિધા અને ધાર્મિક પરંપરાના નિયમોને અનુસરતા, ૩ માર્ચના રોજ મંદિરના દ્વાર સામાન્ય સમય કરતાં વહેલા — સવારે ૪ વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ભગવાન દ્વારકાધીશના દર્શનનો પાવન લાભ લઈ શકશે અને ફૂલડોર ઉત્સવની ઉજવણીમાં સહભાગી બની શકશે.
ચંદ્રગ્રહણને કારણે શાસ્ત્રીય નિયમો અનુસાર બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી મંદિરના દ્વાર સત્તાવાર રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના દર્શન, પૂજા અથવા ધાર્મિક વિધિ માટે પ્રવેશ આપવામાં નહીં આવે. ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત શુદ્ધિકરણ વિધિ યોજાશે. વિધિઓ પૂર્ણ થયા પછી રાત્રે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ફરીથી દર્શન માટે દ્વાર ખોલવામાં આવશે.
ફૂલડોર ઉત્સવ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અર્પણની ભાવનાથી ઉજવાતો પરંપરાગત ઉત્સવ છે, જેમાં ભવ્ય શૃંગાર, ફૂલોની સજાવટ અને વિશેષ આરતીનું આયોજન થાય છે. આ વર્ષે ગ્રહણના સંયોગને કારણે સમયપત્રકમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને, મંદિર તંત્રએ તમામ યાત્રિકોને આગોતરા આયોજન કરવા અપીલ કરી છે.
મંદિર વહીવટદારે જણાવ્યું છે કે ભક્તો અનાવશ્યક ભીડ ટાળે, સૂચિત સમય મુજબ દર્શન માટે આવે અને મંદિર પરિસરમાં શાંતિ અને શિસ્ત જાળવે. ગ્રહણ અને ઉત્સવના આ પવિત્ર સંયોગમાં દરેક ભક્તને સુવિધા મળી રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અતેધ્યે, ૩ માર્ચના રોજ દ્વારકા આવતા તમામ ભાવિકો માટે આ સૂચના મહત્વપૂર્ણ છે
સવારે ૪ થી બપોરે ૧૨ સુધી દર્શન ખુલ્લા રહેશે,
બપોરે ૧૨ થી રાત્રે ૮ સુધી મંદિર બંધ રહેશે,
અને રાત્રે ૮ થી ૧૧ સુધી ફરી દર્શન શરૂ થશે.
ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ફૂલડોર ઉત્સવ અને ગ્રહણનો આ વિશેષ દિવસ સર્વે ભક્તો માટે શુભ અને કલ્યાણકારક બની રહે તેવી પ્રાર્થના.
જયદિપ લાખાણી (દ્વારકા)





