વિશ્વ કલ્યાણની પ્રાર્થનાથી પ્રજ્વલિત થશે વૈદિક હોલિકા સોમનાથ ધામે ગોમય યુક્ત આહુતિ સાથે આધ્યાત્મિકતા, આયુર્વેદ અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આગામી તા. 02 માર્ચ 2026ના રોજ હોળી પર્વ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક પરંપરા મુજબ વિશેષ હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે દેશભરમાં હોલિકા દહન માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ વખતે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને વૈદિક પદ્ધતિથી હોલિકા દહન યોજાઈ રહ્યું છે,


જે પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપશે. સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે હોલિકા દહન કરવામાં આવશે, જેમાં ગાયનું પવિત્ર છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને વિવિધ આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ સામગ્રીઓ શાસ્ત્રોક્ત રીતે પવિત્ર માનવામાં આવે છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ પર્યાવરણ શુદ્ધિકરણ તેમજ સકારાત્મક ઊર્જાના સંચાર માટે મહત્વપૂર્ણ ગણાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષતામાં પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ માટે અનેક પ્રકલ્પો અમલમાં મૂકી રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રીના “LiFE — લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ” અભિગમ અંતર્ગત આ વૈદિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણમૈત્રી તહેવારો ઉજવવાની પ્રેરણા આપશે. તા. 02/03/2026ના રોજ સાંજે 8:00 વાગ્યે વિધિવત પૂજન સાથે હોલિકા પ્રાગટ્ય કરવામાં આવશે અને આ પવિત્ર પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ પરિવાર, સાધુ-સંતો તેમજ દેશ-વિદેશથી પધારનાર ભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ આયોજનની વિશેષતા એ છે કે ભક્તો ઘરે બેઠા પણ આ પવિત્ર હોલિકા દહનમાં ભાગ લઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ભક્તો સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ Somnath.org પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર કરીને ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને ઔષધિઓની પવિત્ર આહુતિ હોલિકામાં અર્પણ કરી શકશે તેમજ હોલિકા દહનના દર્શન પણ કરી શકશે. શાસ્ત્રોક્ત માન્યતાઓ અનુસાર ગોમય અને વૈદિક દ્રવ્યોનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે નકારાત્મક તત્વોને દૂર કરે છે અને આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફના દોષોને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે, જેના કારણે આ પ્રકારનું હોલિકા દહન આધ્યાત્મિક અને આરોગ્યદાયક બંને રીતે મહત્વ ધરાવે છે. પ્રત્યક્ષ સોમનાથ ધામે પધારનાર ભક્તો માટે પણ ગોમય યુક્ત આહુતિ અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ હોલિકા અગ્નિદેવ સમક્ષ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી શકે. આ સમગ્ર આયોજન દ્વારા વૈદિક હોલિકા પદ્ધતિને પુનર્જીવિત કરીને આધુનિક પેઢી સુધી વૈદિક સંસ્કૃતિ, પરંપરા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Comment